સાળંગપુર હનુમાનજી મંદિર: ભવ્ય ઇતિહાસ અને હનુમાનજીના આગમન અને અનોખો ચમત્કાર
સાળંગપુર ધામ આજે કિંગ ઓફ સાળંગપુર તરીકે પ્રસિદ્ધ થઈ ગયું છે. સાળંગપુર ધામમાં ભગવાન શ્રી હનુમાનજી એટલે કષ્ટભંજન દેવની પ્રતિમા સ્થાપિત છે. આ મંદિર ભક્તો માટે કષ્ટ દૂર કરવા માટે મહત્વપૂર્ણ છે, તેમજ જે લોકો ભુત-પ્રેત અથવા અનિષ્ટ તત્વોથી પીડાઈ રહ્યા હોય, તેમના માટે આ મંદિર ખૂબ ચમત્કારી અને ઉપકારી માનવામાં આવે છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલ આ મંદિર માટે કહેવાય છે કે ભુત-પ્રેતથી પીડિત વ્યક્તિ જો એકવાર સાળંગપુરના હનુમાનજીના દર્શન કરે તો તે તમામ પીડાથી મુક્ત થાય છે.
હનુમાનજીને કળિયુગના દેવ તરીકે માનવામાં આવે છે અને તેમની પૂજા-સેવા દ્વારા બળ, બુદ્ધિ પ્રાપ્ત થાય છે તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર સુદ પુનમના દિવસે હનુમાનજીનો અવતરણ દિવસ ઉજવાય છે, જેને હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતભરમાં હનુમાનજીના અનેક પ્રસિદ્ધ અને ચમત્કારી મંદિરો આવેલાં છે, જેમાં ગુજરાતના ભાવનગરમાં સ્થિત સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવનું મહિમા પણ અતિશય છે. ચાલો જાણીએ સાળંગપુરના હનુમાનજી મંદિરનો ઇતિહાસ અને તેના મહિમા વિશે.
સાળંગપુરનો ઈતિહાસ
સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુસંતોની સેવા અને ભક્તિ કરતા. સમય પસાર થતાં જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ. પરિણામે તે સાધુઓની સેવા કરી શકતા નહોતા. શ્રી ગોપાલાનંદ સ્વામી સત્સંગના પ્રચાર માટે વિચરણ કરતા બોટાદ ગામમાં આવ્યા. આ સમાચાર સાંભળી સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ સ્વામીશ્રીના દર્શન માટે ગયા ત્યારે સ્વામીએ કહ્યું, “દરબાર! આપશ્રી ઉદાસ લાગો છો.” તે સમયે વાઘા ખાચરે વિનંતી કરી, “સ્વામી, અમારે બે પ્રકારના દુઃખ છે. ત્રણ વરસથી વરસાદ નથી પડતો અને બીજું, અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાથી સંતો આવ્યા નથી, જેના કારણે સત્સંગનો અભાવ છે. સ્વામી! આપશ્રી કંઇક કૃપા કરો તો સંતો અમારે ગામમાં પધરશે.”
સ્વામી ગોપાલાનંદે વાઘાને સાળંગપુરથી પથ્થર લાવવાનું કહ્યું. તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ તૈયાર કરી આપી. વાઘાને સ્વામીજીએ એક શિલ્પીને બોલાવી હનુમાનજીની મૂર્તિ કોતરવાનું સૂચન કર્યું. સામાન્ય કારીગર દ્વારા મૂર્તિ કોતરી કર્યા બાદ સ્વામીજી એ મૂર્તિને સાળંગપુર લાવીને વિક્રમ સંવત 1906 (1850 એ.ડી.) આસો સુદ પાંચમના દિવસે વિદ્વાન બ્રાહ્મણોની મદદથી પૂજાવિધિ સાથે દરબાર વાઘા ખાચરની જમીનમાં સ્થાપી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. સ્વામી ગોપાલાનંદ આરતી દરમિયાન મૂર્તિની આંખોમાં પોતાની નજર પરોવીને ઊભા રહ્યા. આરતીના પાંચમા રાઉન્ડ બાદ મૂર્તિ હલવા લાગી. બધાને લાગ્યું કે ભગવાનનો વાસ આ મૂર્તિમાં થયો છે. ત્યારબાદ સ્વામીજીએ તેજનું પ્રત્યાર્પણ રોકી દીધું અને લોકો ભગવાન સાથે સીધી વાત કરી શકવાની શક્તિ પ્રાપ્ત કરી. આ રીતે લોકોનાં દુઃખ દૂર થતા રહ્યા અને સાળંગપુરના ભગવાનનું નામ કષ્ટભંજન તરીકે પ્રસિદ્ધ થયું. સ્વામીજીની કૃપાથી નાની જગ્યા પર શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956 (ઈ.સ. 1900)માં શરૂ થયું.
પ્રાણ પ્રતિષ્ઠા માટે રૂડો દિવસ નિર્ધારિત
આ ભવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે ગોપાળાનંદ સ્વામીએ વિક્રમ સંવત 1905 આસો વંદ પાંચના દિવસને નક્કી કર્યો અને સાધુ-સંતો તેમજ હરિભક્તોની હાજરીમાં આ મહાન કાર્યનો આરંભ કર્યો. આ ભવ્ય મહોત્સવમાં વેદોકતવિધિ દ્વારા શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. નૈષ્ઠિક વ્રતધારી શુકમુનિ અને ગોવિંદાનંદ સ્વામી પાસેથી પ્રતિષ્ઠાની આરતી ઉતારી.
અને મૂર્તિ થર થર થર ધ્રૂજવા લાગી…
આરતી દરમિયાન ગોપાળાનંદ સ્વામી એક લાકડીને પોતાની દાઢી સાથે ટેકીને મૂર્તિ સામે ત્રાટક વિધિ કરી રહ્યા હતા અને સંકલ્પ કર્યો કે, આ મૂર્તિમાં હનુમાનજી મહારાજનું અવતરણ થાય! ત્યારે શાસ્ત્રો-પુરાણમાં વર્ણવેલા હનુમાનજીના બાવન વીરો મૂર્તિમાં પ્રવેશ કરવા તૈયાર થયા. દિવ્ય દૃષ્ટિવાળા સ્વામીએ સમાધિયોગમાં શ્રીજીના સંકેતથી વીરોને જોઈને ઉદ્બોધન સાથે વિવેકપૂર્ણ વાણીમાં કહ્યું, “હે વીરો! દિવ્ય શક્તિ ધરાવતા, જેમણે ત્રેતાયુગમાં શ્રીરામચંદ્ર ભગવાનની સેવા અને હાલ કળીકાળમાં નિષ્કામ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની સેવા કરી છે, હે હનુમંત મહાવિર! પધારો અને આ મૂર્તિમાં સદા પ્રગટ બિરાજો.”
ગોપાળાનંદ સ્વામીની અરજી પર શ્રી રામદૂત હનુમાનજી મહારાજે તરત જ મૂર્તિમાં અવતરણ લીધું અને આ સાથે જ મૂર્તિ થર થર થર ધ્રૂજવા લાગી. સ્વામીશ્રીએ આપેલા અપાર શક્તિને અનુભવતાં મારૂતિનંદન હસવા લાગ્યા.
વધુ વાંચો: પુજ્ય બજરંગદાસ બાપા ની અદભૂત જીવનકથા અને રસપ્રદ ઘટનાઓ
તમામ પ્રકારના દુઃખોને દુર કરનારા શ્રી કષ્ટભંજન દેવ
સર્વસુખદાતા ગોપાળાનંદ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે, આપના ચરણે આવેલા દરેક વ્યક્તિનાં દુઃખ દૂર કરો, મૂઠ-ચોટ-ડાંકણ-શાકણ-મલીન મંત્ર-તંત્ર-ભૂત-પ્રેત-ભૈરવ-બ્રહ્મરાક્ષસ-ચૂડેલ-પિશાચ વગેરેના પાશથી પીડિતોને મુક્ત કરીને સર્વેનો ઉત્થાન કરો. બાદમાં પણ મૂર્તિ ધ્રૂજતી રહી. ત્યારે ભકતો સ્વામીને પ્રાર્થના કરી કે, બાજુમાં ગાઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રી મદનમોહનજી મહારાજનું મહાત્મ્ય ઘટી શકે, તેથી પ્રગટ સામર્થ્ય સાથે ધ્રૂજતી બંધ કરો. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે, સર્વના કષ્ટને દૂર કરનાર દેવ પધરાવ્યા છે, તેથી તેઓ કષ્ટભંજન દેવ નામથી ઓળખાશે.
આજે દેશ-વિદેશમાં સાળંગપુરના હનુમાન દાદાની પ્રસિદ્ધિ વિસ્તરી ગઈ છે અને દર વર્ષે લાખો ભકતો દર્શન માટે આવે છે. આ મંદિરમાં મંગળવાર અને શનિવાર ઉપરાંત હનુમાન જયંતિ, કાળી ચૌદસ, દિવાળી અને ઘમા વાર-તહેવારોમાં વિશાળ સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે.
શ્રી કષ્ટભંજન હનુમાનજી – સાળંગપુર મંદિર દર્શન સમય
- શણગાર આરતી (સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવાર) સવારે 05:45 કલાકે થાય છે
- મંગળા આરતી (શનિવાર, મંગળવાર અને પૂનમના દિવસે) સવારે 05:30 કલાકે આરંભ થાય છે
- શણગાર આરતી (શનિવાર, મંગળવાર અને પૂનમના દિવસે) સવારે 07:00 કલાકે શરૂ થાય છે
- રાજભોગ થાળ (દર્શન માટે મંદિર બંધ) સવારે 10:30 થી 11:15 કલાક
- દર્શન બંધ: બપોરે 12:00 થી 03:30 કલાક સુધી
- સંધ્યા આરતી: સાંજે 06:30 કલાકે થાય છે
- થાળ (દર્શન માટે બંધ) સાંજે 06:45 થી 07:45 કલાક
- શયન (દર્શન માટે બંધ) રાતે 09:00 થી સવારે 05:30 કલાક સુધી
સાળંગપુર મંદિર મા ભક્તો માટે સુવિધાઓ
દાદાના દર્શન માટે આવતા ભક્તો માટે અહીં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ છે. મંદિર પરિસરમાં સુવિધાસજ્જ 1,050 રૂમ ધરાવતું શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન નિર્માણકાર્ય ચાલુ છે.
સમુહમાં કે પરિવાર સાથે આવતાં યાત્રાળુઓ માટે એસી-નૉન એસી રૂમ્સ અટેચ બાથરૂમ સાથે, ડોર્મેટ્રી, પાર્કિંગ સુવિધા, કડક સુરક્ષા, પ્રસાદ, શુદ્ધ પીવાનું પાણી, સાહિત્ય ભંડાર આપવામાં આવે છે.
ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય
દર મહિને 7.50 લાખથી વધુ અને વર્ષે 90 લાખથી વધુ ભક્તો અને મુલાકાતીઓ ગુજરાતનાં સૌથી મોટા ભોજનાલયમાં નિઃશુલ્ક ભોજનનો આનંદ માણે છે.
આ પણ જુઓ: શ્રાદ્ધ ની સંપૂર્ણ માહિતી: જાણો ધાર્મિક મહત્વ, તિથિઓ અને નિયમો એક સાથે
