PM ગરીબ કલ્યાણ અન્ન યોજના: કોણ મેળવી શકે મફત અનાજ અને કયા સુધી મળશે લાભ? જાણો તમામ માહિતી
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) કોવિડ-19 રોગચાળાને કારણે આર્થિક રીતે નબળા વર્ગોને પડતી મુશ્કેલીઓને હળવી કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવી હતી. કટોકટીની અસરને ધ્યાનમાં રાખીને, સરકારે નિયમિત પુરવઠા ઉપરાંત PMGKAY હેઠળ મફત અનાજ ઓફર કર્યું. PMGKAY તબક્કા 1 થી 7 હેઠળ કુલ 28 મહિનાના સમયગાળા માટે કુલ 1118 LMT ખાદ્ય અનાજ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ રૂ. 3.91 લાખ કરોડની આયોજિત નાણાકીય પ્રતિબદ્ધતા હતી.
ઓછી આવક ધરાવતા પરિવારો પર આર્થિક દબાણ ઘટાડવા અને દેશભરમાં કાયદાના સરળ અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે, કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી, 2023 થી શરૂ કરીને એક વર્ષના પ્રારંભિક સમયગાળા માટે PMGKAY હેઠળ NFSA લાભાર્થીઓ, જેમાં અંત્યોદય અન્ન યોજના (AAY) પરિવારો અને પ્રાથમિકતા ઘરગથ્થુ (PHH) સભ્યોનો સમાવેશ થાય છે, તેમને મફત અનાજ પૂરું પાડવાનો નિર્ણય લીધો. અગાઉ, NFSA હેઠળ, સબસિડીવાળા દરે અનાજ આપવામાં આવતું હતું – ચોખા માટે રૂ. 3/કિલો, ઘઉં માટે રૂ. 2/કિલો અને બરછટ અનાજ માટે રૂ. 1/કિલો.
સરકારી ઠરાવને અનુસરીને, બે હાલની ખાદ્ય સબસિડી યોજનાઓને હવે PMGKAY છત્ર હેઠળ જોડવામાં આવી છે.
લાભાર્થી કલ્યાણને ધ્યાનમાં રાખીને અને ગરીબો માટે ખોરાકની સુલભતા, પોષણક્ષમતા અને ઉપલબ્ધતાના સંદર્ભમાં NFSA, 2013 ને મજબૂત બનાવવાના હેતુથી, કેન્દ્ર સરકારે આગામી પાંચ વર્ષ માટે PMGKAY હેઠળ આશરે 81.35 કરોડ NFSA લાભાર્થીઓ (AAY અને PHH પરિવારો) ને મફત અનાજનું વિતરણ લંબાવવાનો નિર્ણય લીધો છે. NFSA હેઠળ આ અપડેટ કરેલી જોગવાઈ 1 જાન્યુઆરી, 2024 થી અમલમાં આવશે.
PMGKAY નો ઉદ્દેશ્ય NFSA ના કાર્યક્ષમ અને સુસંગત અમલીકરણની ખાતરી આપવાનો છે. વન નેશન વન રેશન કાર્ડ (ONORC) સિસ્ટમ દ્વારા – રેશન કાર્ડ પોર્ટેબિલિટી સુનિશ્ચિત કરતું એક સફળ મોડેલ – લાભાર્થીઓ સમગ્ર ભારતમાં કોઈપણ વાજબી ભાવની દુકાન (FPS) માંથી સમાન ભાવે અને જથ્થામાં તેમના હકદાર અનાજ એકત્રિત કરી શકે છે. દેશભરમાં મફત અનાજનું એકસાથે વિતરણ ONORC ના એકસમાન અમલીકરણને સુનિશ્ચિત કરશે અને લાભાર્થી-સંચાલિત રાશન વિતરણ પ્રણાલીને વધારશે.
યોજનાનો હેતુ
પ્રઘાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાએ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અઘિનિયમ-૨૦૧૩ હેઠળ કેન્દ્ર સરકાર દ્રારા કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ૨૬-મી માર્ચ-૨૦૨૦ ના રોજ શરૂ કરવામાં આવેલી ખાદ્ય સુરક્ષા કલ્યાણ યોજના છે. જેનો લાભ સરકાર માન્ય વાજબી ભાવની દુકાનેથી વિનામૂલ્યે અનાજ મેળવી શકે છે.
યોજનાના લાભ
એપ્રિલથી નવેમ્બર 2020 દરમિયાન, 80 કરોડ કરતાં વધુ લોકોને પ્રત્યેક પરિવાર દીઠ દર મહિને 5 કિલો ઘઉં / ચોખા તેમજ 1 કિલો ચણા નિશુલ્ક આપવામાં આવશે. 6 રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોને ઘઉં ફાળવવામાં આવ્યા છે, – પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ, દિલ્હી અને ગુજરાત અને બાકીના રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોને ચોખા પૂરા પાડવામાં આવ્યા છે.
પાત્રતા:-
- ગરીબી રેખાથી નીચેના પરિવારો – અંત્યોદય અન્ન યોજના (એએવાય) અને પ્રાધાન્યતાવાળા ઘરો (પીએચએચ) ની શ્રેણીમાં સમાવિષ્ટ પરિવારો આ યોજનાનો લાભ મેળવવા પાત્ર રહેશે.
- પીએચએચની ઓળખ રાજ્ય સરકારો / કેન્દ્ર સરકાર દ્વારા તેઓ દ્વારા નિર્ધારિત માપદંડ મુજબ નક્કી કરવાની રહેશે. એએવાય પરિવારોની ઓળખ રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ માપદંડોને આધારિત કરવાની રહેશે.
- વિધવાઓ અથવા ગંભીર રૂપે બીમાર વ્યક્તિઓ અથવા અપંગ વ્યક્તિઓ અથવા 60 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓના વડપણ હેઠળના નિર્વાહના સાધનો અથવા સામાજિક આધારની નિશ્ચિતતા ન ધરાવતા પરિવારો સમાવિષ્ટ કરવામાં આવશે.
- નિર્વાહના સાધનો અથવા સામાજિક આધારની નિશ્ચિતતા ન ધરાવતી વિધવાઓ અથવા ગંભીર રૂપે બીમાર વ્યક્તિઓ અથવા અપંગ વ્યક્તિઓ અથવા 60 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિ, અથવા તો પરિવાર વિહીન એકલ મહિલા, એકલ પુરુષને સદર યોજના હેઠળ સમાવવામાં આવશે.
- તમામ આદિવાસી પરિવારો.
- જમીન વિહોણા ખેતમજૂરો, સીમાંત ખેડુતો, કુંભારો, ચામડાનું કામ કરનારાઓ, ( ટેનરો ), વણકર, લુહાર, સુથાર જેવા ગ્રામીણ કારીગરો ઝૂંપડપટ્ટીમાં રહેનારાઓ, અને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં અનૌપચારિક ક્ષેત્રમાં રોજિંદા ધોરણે રોજગાર મેળવનારા લોકો જેવા કે, કુંભારો, કુલીઓ, રિક્ષાચાલકો, હાથ લારી ખેંચનારાઓ, ફળ અને ફૂલ વેચનારાઓ, સાપના ખેલ દર્શાવતા મદારીઓ, કચરો વીણનારાઓ, મોચી, અને અન્ય તે પ્રકારના લોકો.
- ગરીબી રેખા નીચેના તમામ એચ. આઇ. વી. પોઝીટિવ વ્યક્તિઓના પરિવારો પાત્ર ગણાશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો?
આ યોજના હેઠળ લાભાર્થીઓને રેશનકાર્ડની મદદથી સરકારી રાશનની દુકાનોમાંથી મફત અનાજ મળે છે. આ માટે તમારે માત્ર રેશન કાર્ડની જરૂર હોય છે. જે ગરીબ પરિવારો પાસે રેશન કાર્ડ નથી તેઓ તેમના આધાર કાર્ડથી જ રાશન લે છે. જો કે, કેટલાક રાજ્યોએ વધારાના પાત્રતા માપદંડો નક્કી કર્યા છે. જેમ કે ગરીબી રેખા નીચે હોવું જરૂરી છે.
અંત્યોદય કુટુંબો માટે વરદાન બની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીના કપરા સમયગાળામાં ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ પૂરું પડવાના હેતુથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) શરુ કરી હતી. જોકે, જરૂરિયાતમંદ પરિવારોનો નાણાંકીય બોજો ઓછો થાય અને તેમને અન્ન વિતરણનો મહત્તમ લાભ મળે એ સુનિશ્ચિત કરવા માટે આ યોજનાને હવે ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 (NFSA) હેઠળ સમાવિષ્ટ અંત્યોદય કુટુંબોને માસિક 35 કિ.ગ્રા. અનાજ અને અગ્રતા ધરાવતા કુટુંબોને માસિક વ્યકિતદીઠ 5 કિ.ગ્રા. અનાજ એમ બે પ્રકારના કુટુંબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે.
ગુજરાતના 76 લાખથી વધુ કુટુંબોને મળી રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ
ગુજરાત સરકારે ગરીબો અને વંચિતોના વિકાસને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે અને ખાસ કરીને, પોષણલક્ષી યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય એ સુનિશ્ચિત કર્યું છે. પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના 76.6 લાખથી વધુ કુટુંબોના 3.72 કરોડ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે. વર્ષ 2024ની વાત કરીએ તો, રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી PMGKAY ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ₹7,529 કરોડની કિંમતના 21.91 લાખ મે.ટન અનાજના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આમાં અંત્યોદય અન્ન યોજનાના 36.40 લાખથી વધુ લાભાર્થીઓ અને અગ્રતા ધરાવતા કુટુંબોના 3.30 કરોડથી વધુ લાભાર્થીઓનો સમાવેશ થાય છે.