“જ્ઞાનદીપ પ્રગટાવનારા મહાન ગુરુ – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન” વિશે નિબંધ | Dr. Sarvepalli Radha Krishnan Essay in Gujarati
ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું આખું જીવન આપણાં માટે પ્રેરણાનું સ્ત્રોત છે. તેમણે શિક્ષણ સાથે સાથે અનેક ક્ષેત્રોમાં માર્ગદર્શન આપ્યું છે. તેમના અમૂલ્ય વિચારો અને ચિંતનને આપણે જીવનમાં ઉતારીએ એ જ ડૉ. રાધાકૃષ્ણનને યાદ કરવાનો સાચો રસ્તો છે.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે ગુજરાતીમાં નિબંધ
તારીખ ૫ સપ્ટેમ્બરનાં દિવસે આપણે સૌ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ “શિક્ષક દિવસ” તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન મહાન દાર્શનિક અને ઉત્તમ શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું – “હું પ્રથમ શિક્ષક છું, ત્યારબાદ રાષ્ટ્રપતિ છું.”
રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮માં તમિલનાડુના તિરૂતાની ખાતે થયો હતો. બાળપણથી જ તેઓ અભ્યાસમાં તેજસ્વી હતા. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. જ્યારે તેઓ વીસ વર્ષના હતા ત્યારે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલો તેમની શોધનિબંધ પ્રોફેસરને ખુબ જ ગમ્યો હતો. આ નિબંધ તેઓ માત્ર વીસ વર્ષના હતા ત્યારે પ્રકાશિત થયો હતો. ફિલોસોફી તેમનો મનપસંદ વિષય ન હતો, પણ તેમના દૂરના એક ભાઈ શાળામાં અને કોલેજમાં ભણતા હતા અને તેઓ ફિલોસોફીનાં પુસ્તકો તેમને આપતા. રાધાકૃષ્ણન સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં રસ વધતો ગયો. ૧૯૦૯માં તેમણે ફિલોસોફીના શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની સાથે તેઓ લેખન કાર્ય પણ કરતા. અનેક સામયિકોમાં તેઓ ફિલોસોફી વિષે લેખો પ્રકાશિત કરતા. તેમનું પ્રથમ પુસ્તક ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ નામે આવ્યું હતું. ૧૯૨૬માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં યોજાયેલી ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાતા યુનિવર્સિટીની તરફથી હાજરી આપી હતી. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા. ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયનમાં ભારતના રાજદૂત રહ્યા હતા. ૧૯૫૨માં તેઓ ભારતના ઉપ રાષ્ટ્રપતિ બન્યા. ત્યારબાદ જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના વિદ્યાર્થીઓ અને મિત્રોએ તેમના જન્મદિવસની ઉજવણી માટે ખાસ ઉત્સાહ બતાવ્યો હતો.
તે સમયે રાધાકૃષ્ણને પોતાનો જન્મદિવસ “શિક્ષક દિવસ” તરીકે ઉજવવા માટે પ્રસ્તાવ કર્યો હતો. ત્યારથી જ તેમના જન્મદિવસને ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમની સેવાઓને કારણે તેમને અનેક ભારતીય અને વિદેશી સન્માનો મળ્યા હતા. ૧૯૫૪માં તેમને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તેમને ટેમ્પલટન એવોર્ડ આપ્યો હતો. ઇનામની આખી રકમ તેમણે યુનિવર્સિટીને દાન કરી દીધી હતી. ત્યારબાદ ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તેમની યાદમાં સ્કોલરશિપ શરૂ કરી હતી.
ડો. રાધાકૃષ્ણન સમગ્ર વિશ્વમાં ફિલોસોફર પ્રેસિડેન્ટ તરીકે જાણીતા બન્યા. દાર્શનિક પ્લેટોએ વર્ષો પહેલાં લખ્યું હતું કે આદર્શ રાજ્ય એ હોય જ્યાં રાજા દાર્શનિક હોય. ડૉ. રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એ વિચાર થોડી હદ સુધી સાચો સાબિત થયો. તેમનો જન્મ ૧૮૮૮માં આંધ્ર પ્રદેશના તિરૂતાનીમાં થયો હતો. તેમના પિતા સર્વપલ્લી વીરાસ્વામી અને માતા સીતામ્મા ગરીબ બ્રાહ્મણ પરિવારમાં આવતા હતા. દક્ષિણ ભારતની પરંપરા મુજબ તેમના નામમાં લાગેલો ‘સર્વપલ્લી’ શબ્દ તેમના ગામનું નામ દર્શાવે છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતા હતા.
તેમની પ્રગતિ સતત આગળ વધતી ગઈ. દેશમાં ઉપકુલપતિ બન્યા પછી તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં છ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવા આપી. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ સમયમાં ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં તેમના વિદ્યાર્થીઓ હતા.
૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા. ૧૯૪૯માં તેઓ રશિયામાં ભારતના રાજદૂત તરીકે કાર્યરત રહ્યા. તે સમયના સોવિયેત નેતા જોસેફ સ્તાલિન સહેલાઈથી કોઈને મળતા ન હતા, પણ તેમણે રાધાકૃષ્ણનને બે વખત મળવાનો મોકો આપ્યો. રાધાકૃષ્ણને ચર્ચા દરમ્યાન સ્તાલિનને યાદ અપાવ્યું કે અમારા દેશમાં પણ એક રાજાએ હિંસા દ્વારા સત્તા મેળવી હતી, પરંતુ પછી કલિંગ યુદ્ધ પછી તેને પસ્તાવો થયો હતો. સ્તાલિન સાથે તેમની મુલાકાતથી સમગ્ર દુનિયા ચકિત થઈ ગઈ હતી. ૧૯૫૨માં જ્યારે દેશને કુશળ ઉપરાષ્ટ્રપતિની જરૂર પડી ત્યારે તેમને ભારત બોલાવવામાં આવ્યા. અહીંથી જ તેઓ ભારતના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા. ૧૯૫૪માં તેમને ભારત રત્ન મળ્યો હતો. ૧૯૬૨માં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધો અને પોતાનો પગાર ઘટાડી માત્ર ૨ હજાર રૂપિયા કર્યો. વિશ્વભરમાં તેમની પ્રતિષ્ઠાને કારણે જ્યારે તેઓ અમેરિકા ગયા ત્યારે તેમને સીધા હેલિકોપ્ટર દ્વારા વ્હાઈટ હાઉસ લઈ જવાયા. તે સમયે આવું સન્માન મેળવનારા તેઓ પ્રથમ વિદેશી હતા. જીવનના છેલ્લાં દિવસોમાં તેઓ ઘણું ભૂલી જતા હતા અને ગંભીર બિમારીઓથી પીડાતા હતા. આવી સ્થિતિ વચ્ચે જ ૧૯૭૫ની ૧૭ એપ્રિલની વહેલી સવારે તેમણે આ દુનિયાને અલવિદા કરી દીધી.