નમો લક્ષ્મી યોજના 2025: ગુજરાતની દીકરીઓ માટે ધોરણ 9 થી 12 સુધી ₹50,000 સહાય, અરજીની સંપૂર્ણ માહિતી અહીં વાંચો
ગુજરાત સરકારે રાજ્યની દીકરીઓને ઊંચું શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવા અને અભ્યાસ દરમિયાન આવતી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા ફેબ્રુઆરી 2024માં ‘નમો લક્ષ્મી યોજના’ (Namo Lakshmi Yojana) શરૂ કરી હતી. આ યોજનાના અંતર્ગત, ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી પાત્ર વિદ્યાર્થીનીઓને શિક્ષણ સહાય રૂપે કુલ ₹50,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
ભારતમાં ઘણીવાર એવું બને છે કે દીકરીઓને પ્રાથમિક શિક્ષણ અપાય છે, પરંતુ માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ સમયે આર્થિક તકલીફો અથવા લગ્ન માટે પૈસા એકઠા કરવાની ચિંતાને કારણે તેઓ અભ્યાસ અધૂરો મૂકી દે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ‘નમો લક્ષ્મી યોજના’નો મુખ્ય હેતુ દીકરીઓને સરળતાથી અભ્યાસ ચાલુ રાખવામાં મદદ કરવાનો, મહિલાઓને સશક્ત કરવાનો, તેમનું જીવન સ્તર ઊંચું કરવાનું અને શિક્ષણ ક્ષેત્રે વધુ સારી તકો પૂરું પાડવાનું છે. આ યોજના યુવતીઓને આત્મનિર્ભર બનાવવાની સાથે સમાજમાં તેમની ભાગીદારી મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.
નમો લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા
ક્રમાંક | પાત્રતા માપદંડ | વિગત |
---|---|---|
1 | લાભાર્થી | માત્ર દીકરીઓ |
2 | અભ્યાસનું સ્તર | માધ્યમિક (9-10 ધોરણ) અને ઉચ્ચતર માધ્યમિક (11-12 ધોરણ) |
3 | બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) |
4 | શાળાની માન્યતા | રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળા હોવી જોઈએ |
5 | હેતુ | દીકરીઓને પ્રાથમિક શિક્ષણ બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ માટે પ્રોત્સાહન આપવા |
નમો લક્ષ્મી યોજનાના પાત્રતાના નિયમો
નમો લક્ષ્મી યોજના હેઠળ લાભ મેળવવા માટે નીચે મુજબની શરતો રાખવામાં આવી છે:
- અરજદાર ફક્ત ગુજરાત રાજ્યની રહેવાસી છોકરી હોવી જોઈએ.
- વિદ્યાર્થીનીએ ઓછામાં ઓછું 8મું ધોરણ પૂરું કરેલું હોવું જોઈએ અને તે હાલ 9, 10, 11 અથવા 12માં ભણતી હોવી જોઈએ.
- છોકરી સરકારી કે બિન-સરકારી કોઈપણ શાળામાં અભ્યાસ કરતી હોવી જોઈએ.
- અરજદારના પરિવારની વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી હોવી જોઈએ.
- વિદ્યાર્થીનીની ઉંમર 13 થી 20 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
નમો લક્ષ્મી યોજના હેઠળ મળવાપાત્ર આર્થિક સહાય
ધોરણ | સહાયનો પ્રકાર | દર મહિના સહાય | વાર્ષિક સહાય | કુલ સહાય | પરીક્ષા પાસ પછી વધારાની સહાય | કુલ સહાય રકમ |
---|---|---|---|---|---|---|
9 | માસિક સહાય | ₹500 (10 મહિના) | ₹5,000 | ₹5,000 | – | ₹5,000 |
10 | માસિક સહાય | ₹500 (10 મહિના) | ₹5,000 | ₹5,000 | ₹10,000 (ધોરણ 10 પાસ પછી) | ₹15,000 |
9 + 10 | કુલ | – | – | ₹10,000 | ₹10,000 | ₹20,000 |
11 | માસિક સહાય | ₹750 (10 મહિના) | ₹7,500 | ₹7,500 | – | ₹7,500 |
12 | માસિક સહાય | ₹750 (10 મહિના) | ₹7,500 | ₹7,500 | ₹15,000 (ધોરણ 12 પાસ પછી) | ₹22,500 |
11 + 12 | કુલ | – | – | ₹15,000 | ₹15,000 | ₹30,000 |
9 થી 12 | આખરી કુલ | – | – | ₹25,000 | ₹25,000 | ₹50,000 |
નમો લક્ષ્મી યોજના માટે જરૂરી દસ્તાવેજો
આ યોજના માટે અરજી કરવા માટે નીચેના દસ્તાવેજો જરૂરી રહેશે:
- આધાર કાર્ડ
- જાતિનો પુરાવો (જાતિ પ્રમાણપત્ર)
- રહેઠાણનો પુરાવો
- અરજદાર છોકરીના માતા-પિતાના આધાર કાર્ડ
- શાળાના સંબંધિત દસ્તાવેજો
- વિદ્યાર્થીનીના બેંક ખાતાની વિગતો
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર
નમો લક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રીત
નમો લક્ષ્મી યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો:
- સૌપ્રથમ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- ‘ન્યૂ યુઝર રજીસ્ટ્રેશન’ પર ક્લિક કરીને નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો.
- મોબાઈલ પર આવેલ લોગીન આઈડી અને પાસવર્ડ વડે લોગીન કરો.
- પછી ‘નમો લક્ષ્મી યોજના’ ઓપ્શન પસંદ કરીને નામ, સરનામું, શાળાનું નામ અને વર્તમાન ધોરણ જેવી માહિતી ભરો.
- આધાર કાર્ડ, શૈક્ષણિક પ્રમાણપત્ર, આવકનો પુરાવો, રહેઠાણનો પુરાવો અને બેંકની વિગતો જેવા દસ્તાવેજો અપલોડ કરો.
- ભરેલી વિગતો સારી રીતે ચકાસ્યા પછી ‘સબમિટ’ બટન દબાવો.
- અરજી સબમિટ થયા પછી અરજદારને નોંધણી નંબર આપવામાં આવશે.
વધારાના લાભ પણ મળશે
પાત્ર વિદ્યાર્થિનીઓની ચકાસણી શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી તરત જ પૂર્ણ કરવામાં આવે છે. ત્યારબાદ જુલાઇ માસમાં, જૂન અને જુલાઇ મહિનાની સહાયની રકમ એકસાથે વિદ્યાર્થિનીની માતા અથવા વિદ્યાર્થિનીના બેન્ક ખાતામાં જમા થાય છે. શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકી રહેલી સહાયની રકમ દરેક મહિનાની 10 તારીખ સુધીમાં સીધી જ સંબંધિત બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. વિદ્યાર્થિનીઓને સરકારની અન્ય યોજનાઓ હેઠળ સ્કોલરશિપ મળતી હોય તો પણ આ યોજનાનો લાભ તેઓને વધારામાં મળે છે.
આત્મનિર્ભર અને સશક્ત
આ યોજના દીકરીઓની ઉંમર પ્રમાણેની આરોગ્ય અને પોષણની જરૂરીયાતોને પૂર્ણ કરે છે, જેથી તેમના માનસિક તેમજ શારીરિક વિકાસમાં કોઇ અડચણ ન રહે. આ યોજનામાં શિક્ષણ, પોષણ અને આરોગ્યના ક્ષેત્રે વ્યાપક મદદ આપવામાં આવે છે, જેથી દીકરીઓ વધુ આત્મનિર્ભર બની શકે અને સશક્ત બની જીવનમાં આગળ વધી શકે.