સરકારી લાભ મેળવવા ખેડૂતો માટે ફરજિયાત રજીસ્ટ્રી: અહીં જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વની યોજના રૂપે ખેડૂત નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રણાલી અંતર્ગત દરેક ખેડૂતને એક ખાસ યુનિક ફાર્મર આઈડી (ફાર્મર આઈડી) આપવામાં આવશે. એગ્રીસટેક નામના પોર્ટલ પર જઈને ખેડૂત ભાઈઓ અને બહેનો પોતે જ ખેડૂત નોંધણી કરી શકશે. તેના માટે અહીં પગલુંદર માહિતી આપવામાં આવી છે. રાજ્યના દરેક તાલુકામાં પીએમ કિસાન યોજના હેઠળ ખાતેદાર ખેડૂતોની 100 ટકા નોંધણી થાય તેવું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
ભારત સરકારે જાહેર કરી ફાર્મર રજીસ્ટ્રી
દેશના ખેડૂતો માટે કેન્દ્ર સરકારે ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત જાહેર કરી છે. આ ફાર્મર રજીસ્ટ્રી દરેક રાજ્ય સરકારને એગ્રીસ્ટેક એપ્લિકેશન મારફતે કરાવવાની રહેશે. ગુજરાતમાં પણ સરકારનો લાભ મેળવનારા કે ના મેળવનારા, તમામ પ્રકારના ખેડૂતો માટે ફાર્મર રજીસ્ટ્રી કરાવવી જરૂરી રાખવામાં આવી છે. આ અંગે જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે લગભગ બે મહિના પહેલા કેન્દ્ર સરકારે ફાર્મર રજીસ્ટ્રીની એપ શરૂ કરી હતી, જેના પર થોડા ખેડૂતો પહેલેથી જ રજીસ્ટ્રી કરી ચૂક્યા છે, પરંતુ હજી મોટાભાગના ખેડૂતોનું રજીસ્ટ્રેશન બાકી છે.
રજિસ્ટ્રેશન ન કરાવશો તો લાભ બંધ
ખેડૂતો માટે ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત બાબત અંગે જિલ્લા પંચાયતના ખેતી અધિકારી એ.એમ. પટેલે જણાવ્યું કે ભારત સરકાર દ્વારા એગ્રીસ્ટેક એપ હેઠળ ફાર્મર રજીસ્ટ્રી કરાવવી જરૂરી છે. દરેક ખેડૂત ખાતેદારે પોતાની ખરાઈ માટે આ રજીસ્ટ્રેશન કરાવવું પડશે, નહીં તો આવનારા લાભ બંધ થઈ શકે છે. જો રજીસ્ટ્રેશન ન કરાવાય તો પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ મળતા 2000 રૂપિયા બંધ થઈ જશે. લાભ ન લેતા ખેડૂતોએ પણ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ન કરાવ્યે ટેકાના ભાવે વેચાણ કરતા ખેડૂતોને લાભ નહીં મળે, કિસાન ક્રેડિટ કાર્ડ મળશે નહીં, આવનારા સમયમાં પાક વળતર પણ નહીં મળે અને ડિજિટલ નોંધણી માટે પણ આ જરૂરી છે. કૃષિ વિષયક આઈ પોર્ટલ પર પણ લાભ મેળવવામાં મુશ્કેલી થશે.
ખેડૂતોની જમીન સાથે જોડાયેલી વિવિધ માહિતી ઉપલબ્ધ થશે
ઉલ્લેખનીય છે કે, ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત દરેક ખેડૂતને આધાર કાર્ડ જેવી એક 11 અંકની અનોખી ફાર્મર આઈ.ડી આપવામાં આવશે, જેમાં જમીન સહિતની જરૂરી વિગતો સમાવાશે. આ આઈ.ડી દ્વારા ખેડૂતોને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ રીતે, પારદર્શક રીતે અને યોગ્ય સમયમાં મળશે. ભારત સરકારના નિર્દેશ અનુસાર ગુજરાતમાં ફાર્મર રજીસ્ટ્રી કાર્ય આગામી 25-03-2025 સુધી પૂર્ણ કરવાનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે.
ગુજરાતે દેશમાં સૌપ્રથમ 50 ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ
ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં અગ્રેસર સ્થાન મેળવ્યું છે. ગુજરાતે સૌપ્રથમ 50 ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતાં ભારત સરકાર તરફથી ‘સ્પેશિયલ સેન્ટ્રલ આસીસ્ટન્સ’ રૂપે રૂપિયા 123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળશે. તે પહેલાં પણ ગુજરાતે 25 ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતાં ભારત સરકારે રૂપિયા 82 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવી હતી. આ પ્રોત્સાહક ગ્રાન્ટનો ઉપયોગ રાજ્યમાં ખેડૂતોના કલ્યાણ અને વિવિધ હિતલક્ષી યોજનાઓમાં કરવામાં આવશે.
સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
1. ખેડૂતે સૌપ્રથમ https://gjfr.agristack.gov.in/ વેબસાઇટ ખોલવી. ત્યારબાદ Farmer Login પર જઈ Create New Account પર ક્લિક કરવું.
2. શરૂઆતમાં ખેડૂતે પોતાનો આધાર નંબર દાખલ કરવો પડશે. આધાર દાખલ કર્યા પછી તે આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર OTP આવશે, જે દાખલ કરવો.
3. આધાર વેરિફાઈ થયા પછી ખેડૂતે પોતાનો મોબાઈલ નંબર લખવો. તે નંબર પર પણ OTP આવશે, જે દાખલ કરવો. ત્યારબાદ સૌથી નીચે નવો પાસવર્ડ સેટ કરવો.
4. હવે ખેડૂત પોતાનો મોબાઈલ નંબર અને નવો સેટ કરેલો પાસવર્ડ નાખીને લોગિન કરશે. લોગિન થયા પછી ખેડૂતની વિગતો સ્થાનિક ભાષામાં દેખાશે, જેને ચેક કરવી. જો કોઈ ફેરફારની જરૂર હોય તો બદલી શકાય. આધાર કાર્ડ મુજબ સરનામું પણ દેખાશે, જેને ખાતરીપૂર્વક ચકાસવું.
5. Land ownership ના ડ્રોપડાઉનમાં ઓપરેટરે Owner પસંદ કરવો. Occupation details માં આપેલ બંને ચેક બોક્સ સિલેક્ટ કરવા. ત્યારબાદ Fetch Land Details પર ક્લિક કરવું. હવે ખેડૂત પોતાની જમીનનો સર્વે નંબર દાખલ કરવો. પછી ડ્રોપડાઉનમાંથી ખેડૂતનું નામ પસંદ કરવું.
6. જમીનના સર્વે નંબર સામે આપેલ ચેક બોક્સ પસંદ કરી Submit પર ક્લિક કરવું. ત્યારબાદ તે નંબર fetch થઈ જશે. Fetch થયેલ સર્વે નંબરનો Name Match Score ચેક કરવો. એક જ ગામના તમામ સર્વે નંબર દાખલ કર્યા પછી Verify All Land પર ક્લિક કરવું. હવે નીચે આપેલા ત્રણેય ચેક બોક્સ ટિક કરી Save બટન પર ક્લિક કરવું. પછી Proceed to E-Sign પર ક્લિક કરવું.
7. ત્યારબાદ પેજ C-DAC પર ખુલશે. અહીં ખેડૂતે પોતાનો આધાર નંબર લખવો. આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર OTP આવશે, જે દાખલ કરવો. છેલ્લે Submit પર ક્લિક કરવું. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી ખેડૂતનો એનરોલમેન્ટ નંબર દેખાશે.